Sunday 3 May 2020

લોકડાઉનની વાતો

થોડાં સમય પહેલા આપણામાંથી કેટલાય લોકોએ આ લોકડાઉન એવો શબ્દ સાંભળ્યો પણ ન હતો અને હવે લાગે છે કે આ આપણી રોજીંદી જીદંગીનો ભાગ બની ગયો છે. જ્યારે તમે આ લેખ વાંચશો ત્યાં સુધીમાં તો ઘણાં બદલાવો આવી ચુક્યા હશે. પણ મારે અહી કંઇક એવી કહેવતોની વાતો કરવી છે જેને આ લોકડાઉનથી નવી જ રીતે સમજાવા લાગી છે. થોડી એવી વાતો જેને આપણે આપણાં હ્રદયમાં હંમેશાં એક બોધપાઠ તરીકે લોક કરી દેવાની જરુર છે. 

૧ .પહેલું સુખ તે જાતે નર્યા: આજકાલ જીમ જવું એ ફેશન બની ગયું છે અને આપણી દિનચર્યા જોતાં કસરતો એ આપણાં દિવસનો ભાગ હોવો જ જોઇએ. અહીં મહત્વની વાત એ છે કે હવે આજકાલનાં યુવાનોને સમજાઇ ગયું છે કે માત્ર જીમમાં જવાથી જ તંદુરસ્ત નથી રહેવાતું. વ્યાયામ ઘરે રહીને પણ કરી શકાય છે. અને આ બધાથી ઉપર તંદુરસ્ત રહેવું કેમ જરુરી છે એ પણ સમજાઇ ગયું છે. આ બધું જોતાં લાગે કે હવે આપણી વર્ષો જુની કહેવત "પહેલું સુખ તે જાતે નર્યા" એ આનાથી વધારે સારી રીતે ના સમજાવી શકાઇ હોત. 

૨. અન્ન્ન નોખાં એનાં મન નોખાં: આનો અર્થ બહું જ સરળ છે અને ઘણાં લોકોને એ ખબર પણ હશે - જે પરિવાર અલગ અલગ જમે છે એમનાં મન કે વિચારો પણ પરિવારથી અલગ અલગ હોય છે. અત્યારે બધાં જ પરિવારમાં એવું જોવા મળી રહ્યું છે કે બધાંની અલગ અલગ દિનચર્યાને લીધે સાથે બેસીને જમવું મુશ્કેલ થતું જાય છે. હું એવા પરિવારોને પણ જોવું છું કે જે દિવસમાં એક વાર પણ પુરો પરિવાર સાથે બેસીને જમતાં નથી. એવાં લોકો માટે આ અદભુત તક હતી કે પરિવારની સાથે બેસવાની અને રહેવાની. આ પ્રથાનો સરળ ઉદેશ્ય એમ હતો કે આખા દિવસમાં બનેલી ઘટનાઓની વાતો થાય અને જો કોઇ સભ્ય મુશ્કેલીમાં હોય તો બીજા સાથે વાત કરીને માર્ગ નીકાળી શકે. આ લોકડાઉન દરમ્યાન જ મેં કેટલાય પરિવારોને ફરીથી આ પ્રથાને અનુસરતા જોયા. આશા છે કે હવે સમજાઇ ગયું હશે કે કેમ પરિવાર સાથે રહેવું કે સાથે બેસીને જમવું જરુરી છે. 

૩. નાણું મળશે પણ ટાણું નહી મળે: આજનાં સમયમાં આ કહેવતને ખરેખર બહુ જ સારી રીતે સમજીને જીવનમાં વણી લેવાની જરુર છે. કોરોનાએ આ વાત બહું લોકોને સમજાવી દીધી હશે કે અંત સમયે માત્ર સારી રીતે વિતાવેલો સમય જ યાદ રહે છે કમાયેલા પૈસાની રકમ નહી. એટલે જ જરુરી છે કે જે સમય મળ્યો છે એને સારી રીતે પ્રિયજનોની સાથે પસાર કરી લઇએ. ઘણાં યુવાનોને મેં પ્રથમ વાર આટલો સમય પરિવાર સાથે પસાર કરતાં જોયાં અને બહું જ આનંદ થયો કે હવે એમને પણ આનું મુલ્ય સમજાઇ ગયું છે. પૈસા તો ફરીથી મળી જશે પણ જો આ કુદરત એ આપેલી તક ગુમાવી દેશો તો એ ફરી નહિ મળે. જાણે કે વષોઁ પહેલાનાં ઉનાળું વેકેશન ફરી મળી ગયુ, જાણે કે એ બાળપણની રમતો પાછી મળી ગયી. 

૪. પાઇની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહિ: આજકાલ આ પણ એક નવી ફેશન છે "બિઝી" રહેવું એ. મેં ઘણાં લોકોને દરરોજ બધી જ વાતમાં બિઝી હોવાનું કહેતાં સાંભળ્યાં છે. જાણે અજાણે આ તબક્કાએ કદાચ બહુ લોકોને સમજાવી દીધું હશે કે એમનો ખરેખરો સમય ક્યાં જાય છે જેને એ લોકો બિઝી કહેતાં હોય છે. બીજા એવાં પણ લોકો જોવાં મળી ગયાં હશે કે જે હવે બિઝી રહેવાનુ બહાનું નહી કાઢી શકતાં હોય. આવા લોકોને પણ કદાચ સમજાઇ ગયું હશે કે માણસાઇની કિમ્મત કેટલી મોટી હોય છે સમયની સાથે. 



૫. ચેતતો નર સદા સુખી: આ કપરા સમયમાં ઘણાં લોકો જુદી જુદી રીતે મુશ્કેલીમાં મૂકાતા જોયાં છે. કેટલાકને આર્થિક રીતે તો કેટલાકને રોજીંદી જરુરિયાતોને લઇને મુશ્કેલીમાં મુકાતાં જોયાં છે. પહેલાંનાં જમાનામાં મુશ્કેલીનો સામનો કરવા માટે ઘરનાં પુરષો અમુક રકમ અલગથી રાખતા અને એ જ રીતે ઘરની સ્ત્રીઓ અનાજનાં ભંડાર એ રીતે ભરતી કે કોઇ પણ સમયમાં એનો ઉપયોગ થાય અને ઘરનું કોઇ વ્યક્તિ અનાજ માટે વલખાં ના મારે. સમય જતાં આ બધી જ રીતો બદલાઇ અને આવા સમયમાં એના લીધે કેટલાય પરિવારો મુસીબતમાંથી પસાર થયાં. એટલે જ કદાચ કોરોનાએ ફરી યાદ કરાવ્યું કે "ચેતતો નર સદા સુખી".  

૬. સુકા ભેગું લીલું પણ બળે: હમણાંની પરિસ્થિતિથી બચવાનો અને બચાવવાનો એક માત્ર ઉપાય એટલે અંતર રાખવું. એને આપણી કહેવતોમાં સરસ રીતે કહ્યું છે કે "સુકા ભેગું લીલું પણ બળે" જો સમયસર પગલાં લેવામાં ન આવે તો સુકા ઘાસની સાથે રાખેલું લીલું ઘાસ પણ બળે છે. એ જ રીતે જીદંગીમાં પણ જો ખરાબ પરિસ્થિતિ કે આજુબાજુના વતાવરણ કે ખરાબ મિત્રવતુઁળનો અહેસાસ થાય તો સમયસર ત્યાંથી નીકળી જવાથી બહુ મોટું નુકશાન થતાં અટકાવી શકાય છે. કોરોનાએ પણ એ જ વાત સમજાવી ગયુ કે ચેતી જાઓ અને સમજો કે કયો સાચો સમય છે પોતાને બધાથી અલગ કરવાનો.

૭. આશા અમર છે: વર્તમાન સમયમાં આપણે દરેક નિર્ણયો પ્રેક્ટીકલ કેલ્કયુલેશનનાં આધારે કરીએ છીએ અને એ બધાંમાં કદાચ "આશા અમર છે" એવું હકારત્મક વલણને ધ્યાનમાં લેવાનું ભુલાઇ જાય છે. અત્યારે જ્યારે એકસાથે બધાંનાં માથે આભ ફાટ્યું છે ત્યારે કહેવાતા દુનિયાના વિકસિત દેશો પણ હિમ્મત ન હારી જવા માટે કહે છે અને આશા રાખવાનો આગ્રહ કરે છે. આશા રાખો કે દરેક અંધકાર પછી પ્રકાશ ચોક્કસ આવે જ છે. ફક્ત એ સમજવાની જરુર છે કે અંધકાર એ પ્રકાશની ગેરહાજરી છે અને એ પણ થોડાક જ સમય માટે.

આ બધી જ ઉપરની વાતો પછી પણ જો એમ લાગે કે કંઇ જ નથી બદલાયું તો માત્ર એક વાર "દ્રષ્ટિ તેવી સૃષ્ટિ" પર વિચાર કરી જોજો. જે લોકો પરિવારથી દુર રહે છે ખાસ કરીને વિદેશમાં રહેતાં લોકોને કે કેમ અત્યારે વતન કે ઘર યાદ આવે છે તો પણ જવાબ મળી જશે. બહું સરળ ભાષામાં કહુ તો જ્યારે કપરી પરિસ્થિતિ હોયને ત્યારે માણસને ઘર કે સ્વજનો જેવો સાથ બીજી કોઇ જગ્યા કે વ્યક્તિ નથી જ આપી શક્તું. અને એટલે જ જ્યારે યુધ્ધમાં ભીષ્મ પિતામહને પુછવામાં આવે છે કે તમે સ્વર્ગ કે હસ્તિનાપુર બન્નેમાંથી કોને પસંદ કરશો તો એ કેહ છે હજાર વાર પણ જો પુછવામાં આવે તો પણ હું હસ્તિનાપુર જ કહીશ. 

Oh yes, I have a choice!!

The day started already?? yes, my dear - your beloved kitchen!!  Let me complete my exercise!! yes, my dear - your breakfast serving time!! ...