Wednesday 12 December 2018

હું તારો પડછાયો ને તું મારી છાપ


પડછાયો એટલે નરી આંખે જોઇ શકાતું પોતાનું આબેહુબ સ્વરૂપ. છાપ એટલે બહુ જ હદે મળતું આવતું પ્રતિબિંબ. છાપમાં બધું જ કોપી થાય એ જરુરી નથી, પણ મોટા ભાગની વસ્તુ થાય તો જ કોપી કહેવાય. દરેક વ્યકતિ કોઇનો તો પડછાયો અને કોપી હોય છે. કોઇનો પડછાયો બન​વા તમારે મહેનત નથી કરવી પડતી જ્યારે કોઇની કોપી કરવા ક્યારેક મહેનત કર​વી પડે છે ને ક્યારેક જાતે જ આવી જાય છે. એ જ રીતે હું પણ કોઇનો પડછાયો છું અને કોઇની કોપી. અને હમણાં જ મારી પણ કોઇ કોપી છે એનો અહેસાસ થયો. 

હું કોઇનો પડછાયો:  હું જ્યારે પણ મોકો મળે ત્યારે આ વાક્ય બોલ​વાનું ચુકતી નથી કે, "મમ્મી, મને ગર્વ છે કે હું તારો પડછાયો છું." હમણાં છેલ્લાં કેટલાય સમયથી હું લોકોનાં મોઢે સાંભળતી હતી કે તું તારી મમ્મી જેવી છે. ત્યારે હું ફક્ત સાંભળતી હતી પણ હવે જ્યારે વિચારું તો સમજાય કે મારા કોઇ પણ પરિસ્થિતિમાં મારા પ્રતિભાવો મારી મમ્મી જેવા જ હોય છે એમ જ જોઇ લો કે શરીર મારું પણ બોલી એની હોય છે. આટલી હદે સમાનતા પોતાની જાત સાથે પોતાના પડછાયાની જ હોય. મજા એ વાતની છે કે મને ખબર છે કે જો હું ક્યાંક અટકી જઇશ તો હું એને પુછી શકીશ અને જ​વાબ મને મારું મન જે કહેતું હશે એ જ મળશે. 




હું કોઇને કોપી: કહેવાય છે ને કે પરિવારમાં તમારા પહેલાં મિત્રો તમારાં ભાઇ-બહેન અને પિતરાઇ કે માસી-મામાનાં દિકરાં-દિકરી હોય છે. મારા માટે આમાં મારી માસીની દિકરી છે અને એની જ હું ક્યાંક ને ક્યાંક કોપી પણ છું. અમારી વચ્ચે બહુ ઉંમરનો તફાવત નહી હોવાથી પેહલેથી જ અમને એકબીજાની સાથે ફર​વા જવું ગમે. અમે એક જ શાળામાં ભણ્યાં હોવાનાં કારણે અમે એકબીજાના મિત્રોથી પણ એટલાં જ પરિચિત હતાં. પણ આ સમય એવો હતો કે હ​વે એ કોલેજમાં હતી અને હું શાળામાં, છતાં પણ અમારી વચ્ચેના સંબંધમાં કંઇ જ ફરક ના આવ્યો. અને આ જ એ સમય હતો જ્યારે મેં પેહલી વાર સાંભળ્યું કે હું એની કોપી છું. સમય જતો ગયો હું પણ કોલેજમાં આવી ગયી હ​વે તો અમારા કેટલાક મિત્રો પણ સરખાં જ હતાં. અને જીવનની અમુક ઘટનાઓ અને બદલાવ પણ સરખાં થતાં ગયાં. આ બધાં પછી બરાબર રીતે સમજાઇ ગયું કે લોકો કેમ અમને એમ કહે છે કે કોપી છીએ. જેમ હું કયાંક અટકી હોવ તો હું જેનો પડછાયો છું એને પુછી શકું છું એ જ રીતે હું જેની કોપી છું એને પણ પુછી જ શકું છું કેમ કે આમાં પણ જવાબ તો મારાં મનનો જ મળશે. 



મારી કોપી:કહેવાય છે કે બાળકો માટે પહેલી શાળા એ ઘર છે, એ પોતાના જ ઘરેથી શીખવાની શરુઆત કરે છે ઘરનાં મોટાંને જોઇને શીખે. મારા માટે પણ આનાથી કંઇ અલગ નતું. હમણાં થોડાં સમય પહેલા હું અને મારો ભાઈ બહારથી આવતા હતાં અને બસ એમ જ જીવનમાં શું ચાલી રહ્યું છે એવી વાતો કરતાં હતાં. એણે વાત વાતમાં એક સરસ વાત કહી કે બાળકના વિકાસમાં ઘરનું વાતાવરણ બહુ મહત્વનું કામ કરે છે. એણે કહ્યું કે આપણને મમ્મીએ આટલો સાથ આપ્યો એટલે આપણે આટલા આગળ આવી શક્યા. પછી એમ કહ્યું કે મમ્મીનાં સાથ વગર આ શક્ય નહતું અને જો તે આ બધું ના કર્યું હોત તો હું તને જોઇને શીખ્યો ના હોત. અને મને અચાનક થયું હા વાત તો સાચી જ છે મમ્મી હમેંશા કહે છે કે એ તારા જેવો છે અને મને યાદ છે એની સમજણ પછી હજી પણ એના અંગત જીવનની કોઈ વાત મારાથી છૂપી નથી ભલે અમારી વચ્ચે ૭ વર્ષનો અંતર છે. એ દિવસ પછી સમજાયું કે એ મારી કોપી છે. 

આમ દરેક વ્યક્તિ ક્યાંક કોઈકનો પડછાયો છે તો કોઈકની કોપી છે અને કોઈક એની કોપી છે. કોઈ પણ વ્યક્તિ જો આ ૩  વ્યક્તિ જોતા શીખી જાય તો પોતાનું વ્યક્તિત્વ સમજવું ખૂબ જ સરળ થઈ જાય છે અને સાચા સંબંધો પણ સમજતા વાર નથી લાગતી. 

મેં કેટલાય લોકોને કહેતાં સાંભળ્યાં છે કે કોને કહું? શું કહું? કંઇ જ નથી સમજાતું? આ બહુ જ સામાન્ય પ્રશ્નો છે જે દરેકને જીવનનાં કોઈ એક તબક્કે તો થાય જ છે. પણ જો આ પરિસ્થિતિમાં પોતાના મનનો અવાજ સાંભળવો હોય તો તમારા જીવનની આ ૩ વ્યક્તિ કે અવસ્થાને જાણવાથી આનો જવાબ મળી જાય છે. ૧) હું જેનો પડછાયો છું ૨) હું જેની કોપી છું ૩) જે મારી કોપી છે. આ તમારા સમગ્ર વ્યક્તિત્વનો પરિચય આપી દેશે અને તમારા મનની વાત પણ કહી દેશે.

No comments:

Post a Comment

Oh yes, I have a choice!!

The day started already?? yes, my dear - your beloved kitchen!!  Let me complete my exercise!! yes, my dear - your breakfast serving time!! ...